યથાર્થ અને આદર્શ બંનેમાં વિવાદ ઊભો થયો. યથાર્થે કહ્યું કે હું મોટો છું અને આદર્શ કહેતો હતો કે ખરેખર હું મોટો છું. તેમના વિવાદનો કોઈ ફેસલો ન આવ્યો, આથી તેઓ બંને પ્રજાપતિ બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે ભગવદ્ ! આપે જ અમને પેદા કર્યા છે, તેથી હવે તમે જ કહો કે અમારા બંનેમાંથી મોટો કોણ છે. પ્રજાપતિએ, ગંભીરતાથી વિચાર કર્યા પછી સ્મિત કરતાં તેમને કહ્યું કે જે આકાશ તથા પૃથ્વી બંને વચ્ચે સંબંધ જોડી દે તે મોટો હોઈ શકે. યથાર્થે પોતાનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું. તે પૃથ્વીથી ઉપરની તરફ વધતો જ ગયો, પરંતુ તે સૂર્ય સુધી પહોંચી શક્યો નહિ, આથી તેણે પોતાની હાર માની લીધી અને આદર્શને કહ્યું કે સારું, હવે તું આ| કામ કરી બતાવ. આદર્શ એકદમ આકાશમાં પહોંચી ગયો અને ત્યાંથી પોતાના પગ લાંબા કરીને ધરતીને અડકવાનો પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ તે અધવચ્ચે જ લટકી રહ્યો. આમ તે બંનેએ પ્રજાપતિ સમક્ષ પોતાની હાર સ્વીકારી લીધી. બ્રહ્માજીએ તે બંનેને સમજાવતાં કહ્યું કે જાઓ, હવે તમે બંને ભેગા મળીને પ્રયત્ન કરો. તેમણે બંનેએ પ્રેમપૂર્વક ભેગા મળીને પ્રયાસ કર્યો અને પૃથ્વી તથા આકાશને જોડી દીધાં.પ્રજાપતિ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે પુત્રો! તમે બંને એકબીજાના સહયોગી બનો એમાં જ તમારું કલ્યાણ છે. જે મનુષ્ય પોતાના જીવનમાં યથાર્થતા તથા આદર્શોનો સમન્વય કરે છે તે ઉચ્ચ સ્થિતિએ પહોંચી શકે છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021