મહારાજા કૃષ્ણદેવરાય તેનાલીરામની બુદ્ધિની પરીક્ષા લેવા માટે ઘણીવાર તેમને વિચિત્ર સવાલો પૂછતા હતા. એક દિવસ તેમણે તેનાલીરામને પૂછયું કે આપણા રાજ્યમાં કબૂતરોની કુલ સંખ્યા કેટલી છે? સાચી સંખ્યાની ગણતરી કરવા માટે હું તમને એક અઠવાડિયાનો સમય આપું છું. જો તમે સાચી ગણતરી નહિ કરી શકો તો તમારું મસ્તક ધડથી જુદું કરી નાંખવામાં આવશે. તેનાલીરામની ઈર્ષા કરનારા દરબારીઓએ વિચાર્યું કે આ વખતે તેનાલીરામનું બચવું મુશ્કેલ છે.
એક અઠવાડિયા પછી તેનાલીરામ દરબારમાં હાજર થયા. મહારાજે પૂછતાં તેમણે કહ્યું કે મહારાજ ! આપણા રાજ્યમાં કુલ ત્રણ લાખ બાવીસ હજાર ચારસો ચોવીસ કબૂતર છે. જો આપને વિશ્વાસ ન હોય તો તમે બીજા કોઈની પાસે પણ તેમની ગણતરી કરાવી શકો છો. જો કદાચ તેમની સંખ્યા વધારે થાય તો તે કબૂતરો બીજા રાજ્યમાંથી આપણે ત્યાં મહેમાન બનીને આવ્યાં હશે અને જો ઓછાં થાય તો તે બીજા રાજ્યમાં મહેમાન બનીને ગયાં હશે. રાજા કૃષ્ણદેવરાય તેનાલીરામની આવી તીક્ષ્ણ બુદ્ધિ જોઈને પ્રસન્ન થઈ ગયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021