જંગલમાં એક શિકારીની પાછળ વાઘ પડી ગયો હતો. શિકારી ગભરાઈને એક ઝાડ પર ચઢી ગયો. તે ઝાડ પર એક રીછ પહેલેથી જ બેઠું હતું. વાઘ ઝાડ પર ન ચઢી શક્યો, તેથી તે નીચે બેસીને શિકારી નીચે ઊતરે તેની રાહ જોવા લાગ્યો.
ઘણીવાર થઈ ગઈ, છતાં શિકારી નીચે ન ઊતર્યો. તેથી વાઘે રીંછને કહ્યું કે આ માણસ આપણા બંનેનો શત્રુ છે, તેથી તું એને નીચે પાડી દે. હું તેને ખાઈને અહીથી જતો રહીશ. રીંછે કહ્યું કે ના. આ માણસ મારો શરણાગત છે, તેથી હું તેને ધક્કો ન મારી શકું
મોડી રાતે રીછને ઊંઘ આવી ગઈ ત્યારે વાઘે શિકારીને રીંછને નીચે નાખી દેવાનું કહ્યું. શિકારીએ સહેજ પણ વિચાર કર્યા વગર રીંછને ધક્કો મારી દીધો. નસીબ જોગે પડતાં પડતાં રીછે વૃક્ષની એક ડાળી પકડી લીધી. વાઘ રીછને કહ્યું કે જો, જે શિકારીની રક્ષા કરી એણે જ તને દગો કર્યો. આથી હવે તું એને ધક્કો મારી . રીંછે વાઘને કહ્યું કે ભલે આ માણસ ધર્મથી વિમુખ થઈ ગયો હોય, પરંતુ હું એવો અધર્મનહિ કરું. પરોપકારી અને ભાવનાશીલ ઉચ્ચ આત્માઓ અપકારના બદલામાં પણ હંમેશાં ઉપકાર જ કરે છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021