બૌદ્ધ ભિક્ષુ વિનાયકને બહુ બોલબોલ કરવાની ટેવ પડી ગઈ હતી. તે રસ્તા પર ઊભો રહીને મોટે મોટેથી બોલીને લોકોને ભેગા કરતો અને ધર્મની બહુ મોટી મોટી વાતો કરતો. ભગવાન બુદ્ધને આવાતની ખબર પડી. લોકશિક્ષણ આપવાની સાચી રીતે સમજાવવા માટે તેમણે વિનાયકને પોતાની પાસે બોલાવ્યો અને ખૂબ પ્રેમથી તેને પૂછ્યું કે કોઈ ગોવાળિયો જો રસ્તા પરથી પસાર થતી ગાયોને ગણતો રહે તો શું તે તેમનો માલિક બની જશે? વિનાયકે “ના” માં જવાબ આપ્યો. તેણે કહ્યું કે ના ભગવન્! એવું કઈ રીતે બની શકે? ગોવાળિયાએ તો ગાયોની દેખરેખ રાખવી પડે છે અને તેમની સેવા કરવી પડે છે. થોડી વાર સુધી શાંત રહીને તથાગતે ખૂબ ગંભીરતાથી વિનાયકને કહ્યું કે બેટા! તું જીભથી નહિ, પરંતુ તારા જીવનમાં આચરણ કરીને ધર્મનો ઉપદેશ આપ. લોકોની સેવા કરીને, તેમને મદદ કરીને હું તે મને આકર્ષિત કર. વિનાયકને પોતાની ભૂલનું ભાન થયું. આથી તે લોકસેવાનું પવિત્ર કાર્ય કરવા લાગ્યો.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021