અનંતપુરમાં રાજા રામદત્તનું રાજ્ય હતું. અનંતપુરની સરહદ પાસે ગંગાદાસ નામનો એક શિલ્પી પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો હતો. એક દિવસ રાજા ત્યાં થઈને નીકળ્યા ત્યારે ગંગાદાસે બનાવેલી મૂર્તિઓ જોઈને મુગ્ધ થઈ ગયા. તેમણે ગંગાદાસને પોતાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગંગાદાસે મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું પરંતુ તેની કલ્પના પ્રમાણે સુંદર મૂર્તિ બનતી ન હતી. તેણે અનેકવાર પ્રયાસ કર્યો. છતાં તે રાજાની સુંદર મૂર્તિ બનાવી શક્યો નહિ. આથી તે હિંમત હારીને એક બાજુ બેસી ગયો. એટલામાં તેની નજર એક કીડી પર પડી. તે ઘઉનો દાણો લઈને દીવાલ પર ચઢી રહી હતી, પરંતુ વારંવાર પડી જતી હતી, એમ છતાં તેણે પ્રયત્ન છોડ્યો નહિ અને છેવટે તે ઘઉનો દાણો લઈ જવામાં સફળ થઈ ગઈ ગંગાદાસે વિચાર કર્યો કે નિરંતર પ્રયાસ કરવાથી એક નાનકડી કીડી પણ જો સફળતા મેળવી શકતી હોય તો હું કેમ ન મેળવી શકું? તેણે ગુમાવેલો આત્મવિશ્વાસ ફરીથી જાગ્રત થયો. આ વખતે તે રાજાની સુંદર મૂર્તિ બનાવવામાં સફળ થઈ ગયો. રાજા તે મૂર્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા. તેમણે ગંગાદાસને કીમતી ભેટ આપીને તેને પોતાનો રાજશિલ્પી બનાવી દીધો.
Reference: યુગ શક્તિ ગાયત્રી,નવેમ્બર- 2021