ઉષાકાળનો મનોરમ સમય હતો. ઉદ્યાનના એક ખૂણામાં મંદારવૃક્ષ પર ખીલેલાં ફૂલો પોતાના સૌંદર્યના નશામાં ડૂબેલાં હતાં અને ચારેય બાજુ સુગંધ ફેલાવતાં ડોલી રહ્યાં હતાં. બીજી બાજુ એક ખૂણામાં ચાંદનીનો પણ એક છોડ હતો. મંદારના એક ફૂલે ચાંદનીના ફૂલ તરફ ઉપેક્ષાભરી નજરે જોતાં કહ્યું કે શું તમારુતે કાંઈ જીવન છે?રોગી જેવું શરીર અને રંગ, વગરની તમારી પાંખડીઓ જોઈને લાગે છે કે વિધાતાએ તમને પાછલા જીવનનાં કોઈ કર્મોનો દંડ કર્યો છે. જરા મારી તરફ જુઓ. ભગવાને અમને અદ્દભુત રૂપ તથા સાથે સાથે | મધુર સુગંધ પણ આપી છે. તેની આવી વાતો સાંભળીને ચાંદનીને મનમાં સંકોચ થયો, પરંતુ પોતાના મનથી તેણે સંકલ્પ કર્યો કે અમે બધાં ફૂલો પોતાનું જીવન માળીને સોપી દઈશું. સાંજના સમયે માળી આવ્યો. તેણે ચાંદનીનાં ફૂલો તોડીને તેમનો હાર બનાવ્યો.
પછી તે ઉદ્યાનમાં આવેલા એક મંદિરની મૂર્તિના ગળામાં તે હાર પહેરાવી દીધો. એનાથી ચાંદનીના પુષ્પોને અત્યંત આનંદ થયો. ચાંદનીનાં પુષ્પોને આવું ગૌરવપૂર્ણ સ્થાન મળેલું જોઈને મંદાર પુષ્પોનો ઘમંડ ઓગળી ગયો. તેમણે ચાંદનીને આનું કારણ પૂછ્યું. ચાંદનીએ જવાબ આપ્યો કે ભાઈ! અમે અહંકાર છોડીને સ્નેહ તથા સદ્ભાવપૂર્વક આત્મસમર્પણ કર્યું એ જ આનું રહસ્ય છે. અમે બધાએ એક મહાન લક્ષ્ય માટે અમારું સમર્પણ કરી દીધું અને પ્રેમના સૂત્રમાં પરોવાઈ ગયાં.
મંદારપુષ્પોએ જિજ્ઞાસા વ્યક્ત કરતાં પૂછ્યું કે શું એના માટે તમારે કશાનો ત્યાગ કરવો પડ્યો? ચાંદનીએ કહ્યું કે અમે માત્ર અમારા સ્વાર્થ તથા સંકીર્ણતાનો ત્યાગ કર્યો છે અને માળીની સોયથી છેદાવા માટે તૈયાર થઈ ગયાં. માળીએ અમને પ્રેમરૂપી દોરામાં પરોવી શું દીધાં. આ જ અમારા ગૌરવનું રહસ્ય છે. આવું સાંભળીને મંદારનાં પુષ્પો પણ માળી આવે તેની રાહ જોવા લાગ્યાં.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021