સ્વર્ગ અને નરક કરણીનું ફળ છે. એક સંતે પોતાના શિષ્યને સમજાવ્યું. પરંતુ શિષ્યને વાત સમજાઈ નહીં ત્યારે તેનો ઉત્તર આપવા માટે પછીના દિવસે સંત શિષ્યને લઈને એક શિકારીની પાસે ગયા,
ત્યાં જઈને તેમણે જોયું કે શિકારી જંગલમાં કેટલાંક નિર્દોષ પક્ષીઓને પકડીને લાવ્યો હતો અને તેમને કાપી રહ્યો હતો. તે જોતા જ શિષ્ય બરાડી ઉઠયો. મહારાજ, અહીં તો નરક છે. અહીંથી જલદી ચાલી નીકળો. સંતે કહ્યું. ખરેખર આ પારધીએ આટલા જીવો મારી નાખ્યા. પરંતુ આજ દિન સુધી ફૂટી કોડી પણ તેણે ભેગી કરી નથી. તેની પાસે કપડાં લેવાનાયા પૈસા નથી. તેને માટે આ સંસાર પણ નરક છે અને પરલોકમાં જે આટલા જીવો મારી નાખ્યા તે જીવોના તડપતા આત્માઓ તેને પીડા આપશે. તેની તો કલ્પના પણ કરી શકાય તેમ નથી.
સંત બીજા દિવસે એક સાધુની ઝૂંપડી પર પહોંચ્યાં. શિષ્ય પણ તેમની સાથે હતો. ત્યાં જઈને તેમણે જોયું કે સાધુની પાસે હતું તો કાંઈ નહિ. પરંતુ તેમની મસ્તીની કોઈ સીમા નથી. તેઓ ખૂબ સંતુષ્ટ, ખૂબ પ્રસન્ન જણાતા હતા. સંતે કહ્યું. વત્સ, આ સાધુ આ જીવનમાં કષ્ટનું. તપશ્ચર્યાનું જીવન જીવી રહ્યા છે, તો પણ મનમાં આટલી પ્રસન્નતા ! આ એ વાતનું પ્રતીક છે કે તેમને પારલૌકિક સુખ તો નિશ્ચિત જ છે.
સાયંકાળે સંત એક વેશ્યાના ઘરમાં પ્રવેશવા લાગ્યા ત્યારે શિષ્ય બરાડી ઉઠયો, મહારાજ, અહીં કયાં આવ્યા રે સંતે કહ્યું. વત્સ, અહીંનો વૈભવ પણ જોઈ લે. મનુષ્ય આ સાંસારિક સુખના ઉપભોગ માટે પોતાના શરીર, શીલ અને ચરિત્રને પણ વેચીને કેવી રીતે મોજ ઉડાવે છે. પરંતુ શરીરનું સૌદર્ય નષ્ટ થતાં જ કોઈ તેની પાસે આવતું નથી આ એ વાતનું પ્રતીક છે. કે તેને માટે સંસાર સ્વર્ગ જેવો છે. પરંતુ તેનો અંત એ જ છે જે પેલા પારધીનો હતો.
અંતિમ દિવસે તેઓ એક સદગૃહસ્થના ઘેર જઈ રોકાયા. તે ગૃહસ્થ ખૂબ પરિશ્રમી, સંયમી, નેક અને પ્રામાણિક હતો. તેથી સુખ-સમૃદ્ધિની તેને કોઈ કમી નહોતી, પરંતુ તે વધી જ રહી હતી. સંતે કહયું. આ એ વ્યકિત છે, જેને આ પૃથ્વી પર પણ સ્વર્ગ અને પરલોકમાં પણ સ્વર્ગ છે. શિષ્યએ આ તત્વજ્ઞાનને સારી રીતે સમજી લીધું કે સ્વર્ગ અને નરક હકીકતમાં કરણીનું જ ફળ છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ – 2003