કોઈ એક વનમાં એક ઋષિનો આશ્રમ હતો. ઋષિ અત્યંત વૃદ્ધ થઈ ગયા હતા. તેમને પરલોક સિધાવાનો સમય નજીક આવી ગયો હતો, આથી તેમને ચિંતા થઈ કે મારા પછી આ આશ્રમની જવાબદારી કોણ સંભાળશે? આ કાર્ય માટે તેમણે પોતાના ત્રણેય શિષ્યોની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. તેમનાં નામ રામ, મોહન અને સંજય હતાં.
ઋષિએ તેમને બોલાવીને પૂછ્યું કે જો ભગવાન તમને દર્શન દઈને કોઈ વરદાન માગવાનું કહે તો તમે શું માગશો?સંજયે કહ્યું કે ગુરુદેવ! હું તો સંસારની બધી વિદ્યાઓ પ્રાપ્ત કરવાનું વરદાન માગીશ. મોહને કહ્યું કે ગુરુદેવ! હું તો વિપુલ ધનસંપત્તિની માગણી કરીશ. રામે કહ્યું કે ગુરુવર! હું ઈશ્વર પાસે માનવમાત્રના કલ્યાણનું વરદાન માગીશ. રામના જવાબથી ઋષિ અત્યંત પ્રસન્ન થયા. તેમણે તેને છાતી સરસો ચાંપીને કહ્યું કે વત્સ! ખરેખર તું જ મારો સર્વશ્રેષ્ઠ શિષ્ય છે. તું જ આ આશ્રમ ચલાવવાને યોગ્ય છે. તારું કલ્યાણ હો. ગુરુએ રામને સુપાત્ર માનીને તે આશ્રમના વિકાસની સંપૂર્ણ જવાબદારી સોપી દીધી. જે બધાની ઉન્નતિની કામના કરે છે એ જ વાસ્તવમાં શ્રેષ્ઠ માનવ છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021