જાપાનમાં એક છોકરા કાગાવાએ ભણ્યા પછી પીડિતોની સેવા કરવાનું પોતાનું લક્ષ બનાવ્યું અને તેમાં જ લાગી ગયો. તરછોડાયેલા, ખોટી આદતોથી ઘેરાયેલા ગરીબ લોકોના મહોલ્લામાં તે જતો અને દિનભર તેમની જ સેવામાં લાગ્યો રહેતો. પેટ ભરવા માટે તેણે બે કલાકના કામની શોધ કરી લીધી. આ સેવા-કાર્યની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. એક વિદુષી છોકરીને તેનું આ કાર્ય ઘણું જ પસંદ પડયું. તે પણ તેની સાથે ખભેખભા મેળવી કામ કરવા તૈયાર થઈ ગઈ. લગ્ન એક શરતે કર્યું કે તે વાસનાપૂર્તિ હેતુ નહીં સમાજસેવા હેતુ મૈત્રીને માટે બંધાશે. તે છોકરીએ પણ રોજનું બે કલાક કામ શોધી કાઢયું. બંને મળીને કામ કરવાથી બેવડું કામ થવા લાગ્યું. ઉદાર લોકો તેમના કાર્યમાં મદદ કરવા લાગ્યા. પરિણામે કાર્યક્ષેત્રનો વિસ્તાર થયો. સરકારે સંપૂર્ણ જાપાનમાં તરછોડાયેલા લોકોને સુધારવાનું કામ એ લોકોને સોંપ્યું. કાગાવા પ્રત્યે જપાનમાં એટલી શ્રદ્ધા વધી કે તેમને તે દેશના ગાંધી કહેવામાં આવ્યા.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓગસ્ટ 2003