140
દાદુ એક દુકાનના માલિક હતા. વધુમાં વધુ પૈસા કમાવા એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. એક દિવસ ભારે વરસાદ વરસી રહ્યો હતો. એ વખતે ગ્રાહક ન હોવાના લીધે દાદુ પૈસા ગણવામાં તલ્લીન હતા. થોડીવાર પછી તેમણે ઊંચે જોયું તો તેમણે જોયું કે તેમના ગુરુ બહાર વરસાદમાં પલળી રહ્યા છે. તેઓ તરત જ તેમને દુકાનની અંદર લઈ આવ્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગવા લાગ્યા.
ગુરુએ હસતાં હસતાં કહ્યું કે દાદુ! તે મને તો જોઈ લીધો, પરંતુ જે નિરંતર તારી સામે હાજર રહે છે એ ભગવાનની તરફ તું ક્યારે જોઈશ? તારું ધ્યાન તો હંમેશાં પૈસામાં જ હોય છે. ગુરુની આ વાત દાદુના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગઈ. તેઓ બધું છોડીને ભક્તિના માર્ગે વળી ગયા. આગળ જતાં તેઓ સંત દાદુ દયાલના રૂપમાં પ્રખ્યાત થયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર: 2021