જયપુરના રાજા માનસિંહ ગુજરાત તરફ આવી રહ્યા હતા. રસ્તામાં તેમણે મેવાડમાં પડાવ નાખ્યો અને ચિતોડના મહારાજના મહેમાન બન્યા. તે સમયે ચિત્તોડમાં મહારાણા પ્રતાપ શાસન કરતા હતા. રાજા માનસિંહની સાથે ભોજન માટે તેમણે તેમના પુત્ર અમરસિંહને મોકલ્યા અને સ્વયં ન ગયા. આવું થતા માનસિંહે પૂછ્યું તો પ્રતાપે કહેવડાવ્યું કે જેને પોતાનાં ધર્મ, જાતિ, સંસ્કૃતિનું ગૌરવ રહ્યું ન હોય, જે આતતાયી સાથે મળી ગયો હોય, જેમને પોતાની ફોઈ આપી દીધી હોય એવાની સાથે હું ભોજન કરી શકતો નથી. અપમાનિત માનસિંહ દિલ્હી પાછો જતો રહ્યો. બાદશાહની કાનભંભેરણી કરી, પોતાની જ જાતિના વીર મહારાણા વિરુદ્ધ મોગલોની મોટી સેના લઈને ગયો. પ્રસિદ્ધ હલ્દીઘાટીના યુદ્ધમાં મુકીભર રાજપૂતોએ શત્રુના દાંત ખાટા કરી નાંખ્યા. પ્રતાપે પરિસ્થિતિ અનુસાર જંગલોમાં રહીને સંઘર્ષ કરવાનું સ્વીકાર્યું. પરંતુ ક્યારેય કોઈ પણ શરતે પોતાનું સ્વાભિમાન છોડ્યું નહીં સંધિની બધીજ શરતો નામંજૂર કરી. તેઓ આવનારી પેઢી માટે એક પ્રેરણાપુંજ બની ગયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2000