સુંદરવનમાં કુટિલરાજ નામનું એક શિયાળ રહેતું હતું. તેના નામ પ્રમાણે જ તે અત્યંત કુટિલ અને બદમાશ હતું. એક દિવસ તે શિકારીઓએ ખોદેલા એક ખાડામાં પડી ગયું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે ખાડામાંથી બહાર ન નીકળી શક્યું. તે કૂદકા મારીને થાકી ગયું. એટલામાં જ તેને એક બકરીનો અવાજ સંભળાયો. આથી તેણે બકરીને બૂમો પાડીને બોલાવી અને કહ્યું કે બહેન! તમે પણ અહીં આવો. અહીં લીલુંછમ ઘાસ અને શીતળ પાણી પણ છે, તેથી તમે અહીં આવીને આ ઘાસ ખાવાનો લાભ લો.
તે શેતાન અને લુચ્ચા શિયાળની વાતોથી લલચાઈને બકરી ઝાઝો વિચાર કર્યા વગર ખાડામાં કૂદી પડી. જેવી તે ખાડામાં આવી એની સાથે જ શિયાળ તેની પીઠ પર ચઢીને બહાર કૂદી ગયું. પછી તેણે બકરીને કહ્યું કે તું તો એવીને એવી જ મૂર્ખ રહી. સામે ચાલીને મરવા માટે ખાડામાં કૂદી પડી.
બકરીએ ખૂબ શાંતિથી કહ્યું કે શિયાળભાઈ! હુંતો પરોપકાર કરતાં કરતાં મરી જવાને જ સાચો ધર્મ માનું છું. મારી ઉપયોગિતાના કારણે કોઈ પણ માણસ મને અહીયાંથી બહાર કાઢીને લઈ જશે, પરંતુ તું તારી ધૂર્તતાના કારણે કોઈને પણ પોતાનો નહિ બનાવી શકે. સ્વાર્થી અને લુચ્ચા માણસો કોઈનો સાચો પ્રેમ મેળવી શકતા નથી. બકરીની આ સાચી વાતોશિયાળના દિલને સ્પર્શી ગઈ. આથી તેણે પોતાના જીવનની દિશાને બદલી નાખવાનો નિશ્ચય કર્યો.
Reference : યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2021