એક વખત અન્યાય પ્રત્યે પોતાના શિષ્યોની પ્રતિક્રિયા જોવાની ઈચ્છાથી ભગવાન શિવે એક ખૂબ જ અન્યાયપૂર્ણ કાર્ય કર્યું. આ જોઈને બધા શિષ્યો સ્તબ્ધ થઈ ગયા, પરંતુ કોઈ બોલ્યું નહીં. એ સમયે એમના શિષ્યોમાં પરશુરામ પણ હતા. એમણે શિવજીને એમ ન કરવા માટે ખૂબ વિનામ પ્રાર્થના કરી, પરંતુ શિવજી તો એમની અંતિમ પ્રતિક્રિયાની પરીક્ષા લેવા માગતા હતા. આથી પોતાના શિષ્યની કોઈ વાત ન સાંભળી અને પોતાના અન્યાયને પણ બંધ ન કર્યો. જ્યારે મનાવવા-સમજાવવાનો કોઈ પ્રભાવ ન પડ્યો, તો પરશુરામજી પોતાની | ફરસી લઈને તેમની સામે ઉભા રહી ગયા અને તેમના પર હુમલો કર્યો. શિવજીના માથામાં ખૂબ ઘા પડ્યો. બધા શિષ્યો ગભરાઈ ગયા. પરશુરામજીને શિવજી પર હુમલો કરવા બદલ ગમે તેમ કહેવા લાગ્યા. આથી શિવજીએ બધાને સમજાવતાં કહ્યું- આ જે કાંઈ અન્યાયપૂર્ણ ક્રિયા મેં કરી છે તે બધી જ અન્યાય પ્રત્યે તમારી પ્રતિક્રિયા જેવા માટે કરવામાં આવી હતી. અન્યાય જોઈને પરશુરામજી સિવાય તમે બધા જ મૌન થઈ ગયા. અન્યાયની વિરુદ્ધ સંઘર્ષ કરવો એ દરેક ધર્મશીલ વ્યક્તિનું માનવોચિત કર્તવ્ય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી -2002