દેવમંદિરમાં શિવરાત્રિના દિવસે એક સોનાનો થાળ ઊતર્યો, આકાશવાણી થઈ કે, સાચા ભકતને જ એ થાળ મળશે. મહારાજે ઢંઢેરો પિટાવીને પોતાની ભકિતની પરીક્ષા આપવા માટે આહવાન આપ્યું. – સૌથી પહેલાં એક પૂજારી આગળ વધ્યો. એણે કહ્યું, “મેં સાચા મનથી ઈશ્વરની ઉપાસના કરી છે. એટલે થાળ નો અધિકારી હું છે.” રાજાએ થાળ પૂજારીને આપ્યો. હાથમાં લેતાં જ થાળ પિત્તળનો બની ગયો. પૂજારી દુઃખી થઈ ગયો અને એકબાજુ ઊભો રહી ગયો. ફરી થાળ સોનાનો થઈ ગયો. તે પછી એક તપસ્વી પહોંચ્યા. એમણે પોતાના યોગ-તપની ઘોષણા કરી, પણ થાળ એમણે હાથમાં લેતાં પણ પિત્તળનો થઈ ગયો.
તેને જ વખતે એક ખેડૂત પણ દૂર દૂર દેવદર્શન માટે આવી પહોંચ્યો. ઈશ્વર પ્રત્યે તેની અતૂટ નિષ્ઠા હતી. જેટલો સમય મળતો, તે પરમાત્માનું નામ લેતો, બાકીના સમયમા પૂર્ણપરિશ્રમથી ખેતી કરતો. કોઈ રીતે તેણે થોડા પૈસા બચાવ્યા. શિવરાત્રિના દિવસે દર્શન માટે આવી રહ્યો હતો. એક પોટલીમાં થોડો સતુ બાંધ્યો હતો. રસ્તામાં ભૂખ તરસથી તડપતો એક રોગી પડયો હતો. તેના તરફ કોઈ ધ્યાન જતું ન હતું. સોનાનો થાળ મેળવવાની આતુરતામાં ભીડ તે બાજુ જ જઈ રહી હતી. ખેડૂતે તડપતી વ્યકિતને ઉઠાયી, પાણી પાયું અને સતુ ખવરાવીને તેની ભૂખ સંતોષી, નજીકની એક ઘર્મશાળાના સંચાલકને તેની સોંપણી કરીને મંદિરમાં દર્શન માટે પહોંચ્યો. ખેડૂત જેવો પહોંચ્યો કે સોનાનો થાળ કાશી નરેશના હાથમાંથી ખેડૂતના હાથમાં આવી ગયો. બધા સચ્ચાઈ જેવા લાગ્યા. આકાશવાણી થઈ કે “ જે આત્મસામર્થ્યનો યોગ્ય ઉપયોગ કરે છે, તે જ મારો સાચો ભકત છે, સુપાત્ર છે’
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2003