સંત વલ્લભાચાર્ય જે ગામમાં રહેતા હતા તે ગામમાં એક વાળંદ પણ રહેતો હતો. તે સાવ નાસ્તિક હતો. જ્યારે પણ સંત એના ઘર પાસેથી નીકળતા ત્યારે એમને સંભળાવવા માટે તે જોરજોરથી બોલતો કે દુનિયામાં કોઈ ભગવાન નથી. જો હોત તો આટલા બધા લોકો દુખી કેમ છે? આવું સાંભળીને સંત હસતાં હસતાં જતા રહેતા હતા. એક દિવસ વાળંદ તેની દુકાનમાં વાળ કાપી રહ્યો હતો ત્યારે બીજા એક બે જણ બહાર ઊભા ઊભા પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા હતા. એ જ વખતે વલ્લભાચાર્યજી ત્યાંથી નીકળ્યા. તેમણે વાળંદને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે મને લાગે છે કે આ ગામમાં કોઈ વાળાંદ નથી. નહિ તો આ માણસોના વાળ આટલા બધા વધી ન જાત. વાળંદ છોભીલો પડી ગયો અને બોલ્યો કે મહારાજ! વાળંદ તો હું છું, પરંતુ તે મારી પાસે વાળ કપાવવા ન આવે તો તેમના વાળ કઈ રીતે કપાય? સંતે કહ્યું બેટા ! જો દુખીયારા પણ ઈશ્વરની પાસે ન જાય તો તે તેમને કઈ રીતે મદદ કરે? ઈશ્વર તો દરેક જણને મદદ કરવા તૈયાર છે, પરંતુ પોકારવા તો પડે ને?
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021