ગુરુકુળમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી સંપન્ન ઘરોમાંથી આવેલા બાળકોએ ગુરુ આત્રેયને પૂછ્યું કે આચાર્ય! જેઓ પોતાને ઘેરથી સારું ભોજન તથા સારાં વસ્ત્રો મંગાવી શકે એમ હોય તેઓ શું ઘેરથી એ બધી વસ્તુઓ મંગાવી શકે ખરા? તેમણે બીજા ગરીબ વિદ્યાર્થીઓની જેમ શા માટે અગવડો ભોગવવી? આત્રેયે એ નિર્દોષ વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક સમજાવતાં કહ્યું કે બેટા! ઉત્તમ લોકો જે સમુદાયમાં રહેતા હોય એમના જેવું જ જીવન જીવે છે. આ સમાનતાની ભાવના જ સૌજન્ય પેદા કરે છે. સંપન્નતાનું પ્રદર્શન કરવાથી અહંકાર તથા ઈર્ષા પેદા થાય છે. એના કારણે ઝઘડા થાય છે અને કોઈની પાસેથી સહયોગ મળતો નથી. આર્થિક વિષમતાથી સમાજમાં અનેક ઝઘડા ઊભા થાય છે અને અપરાધ તથા અનાચાર વધે છે. આવું ન થાય એટલા માટે જ અહીં સાદું તથા એક સમાન જીવન જીવવાનો આગ્રહ રાખવામાં આવે છે. બીજા સામાન્ય લોકો જેવું જીવન જીવવાનું શીખવવામાં આવે છે. ધનવાન લોકોએ વધારે પડતાં સુખસગવડોનો ત્યાગ કરીને ગરીબ તથા પછાત લોકોને ઊંચે ઊઠાવવામાં પોતાના ધનનો સદુપયોગ કરવો જોઈએ. પ્રશ્ન પૂછનારા વિદ્યાર્થીઓને સાદાઈ તથા સમાનતાના આ મંત્રથી કેટલો બધો લાભ થાય છે તે સમજાયું. સંપન્ન વિદ્યાર્થીઓના મનમાં વધારે સારું ભોજન તથા વસ્ત્રોનો ઉપયોગ કરવાનો જે ભાવ જાગ્યો હતો તે દૂર થઈ ગયો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ: 2021