એક સાધક જ્યારે પણ ઉપાસના કરવા બેસતો ત્યારે તેના મનમાં ખરાબ વિચાર આવતા. તેણે ગુરુ પાસે જઈને પોતાની સમસ્યા કહી અને તેનો ઉપાય પૂછયો. આશ્રમમાં ફરી રહેલા એક કૂતરાને જોઈને તેમણે પોતાના સાધક શિષ્યને તે કૂતરાની સેવાચાકરી કરવાનો આદેશ આપ્યો. દસ દિવસ સુધી તે સાધકે આશ્રમમાં રહીને તે કૂતરાની સારી રીતે સંભાળ રાખી. ગુરુએ આવો -આદેશ શા માટે કર્યો? તેનું કારણ શિષ્યને સમજાયું નહિ. એમ છતાં ગુરુની આજ્ઞાને માથે -ચડાવીને શ્વાનની સેવા કરતો રહ્યો. દસ દિવસ સુધી તે સાધક અને કૂતરો બંને સાથે રહ્યા એના પરિણામે તેમની વચ્ચે આત્મીયતા સ્થપાઈ ગઈ. દસ દિવસ પૂરા થયા પછી ગુરુએ તે સાધકને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું કે વત્સ! હવે આ કૂતરાને દૂર મૂકી આવ.
ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને સાધક તે કૂતરાને દૂર મૂકી આવ્યો, પરંતુ સાધક જેવો પાછો ફરતો કે તરત જ કૂતરો પણ તેની પાછળ પાછળ પરત ફરતો. એ જોઈને સાધક ખૂબ વિમાસણમાં પડી ગયો. તે અનેકવાર કૂતરાને દૂર મૂકી આવતો પણ દર વખતે કૂતરો પાછો -આવી જતો. ગુરુ આ બધું જોઈ રહ્યા હતા. તેમણે એ સાધકને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમપૂર્વક સમજાવતાં કહ્યું કે વત્સ! આ કૂતરાની જેમ તું પણ આખો દિવસ જે ખરાબ વિચારો કરતો રહે છે તેઓ કઈ રીતે તારો સાથ છોડી શકે? શિષ્ય ગુરુના કહેવાનો મર્મ સમજી ગયો -અને તેણે એ જ દિવસથી વિચારસંયમની સાધના શરૂ કરી. થોડાક જ દિવસોમાં કુવિચારોમાંથી તેને મુક્તિ મળી ગઈ. ધ્યાનનો અર્થ માત્ર એકાગ્રતા નથી, પરંતુ શ્રેષ્ઠ વિચારોમાં તન્મય થઈ જવું એ પણ છે. સ્વાધ્યાય તથા શ્રેષ્ઠ વ્યક્તિઓના સત્સંગને એટલે જ મહત્ત્વ આપવામાં -આવ્યું છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021