પરમતત્ત્વની પ્રાપ્તિ માટે ઉપનિષદકારે એક સૂત્ર આપ્યું છે – “તદ્ વિજ્ઞાનાર્થી ગુરુમેવાભિગચ્છત” એટલે કે તેને જાણવા માટે જિજ્ઞાસુ વ્યક્તિ ગુરુની પાસે જાય. તેણે ગુરુ પાસે કઈ રીતે જવું જોઈએ? તેના ઉત્તરમાં એ જ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “સમિત્પાણિ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમું” એટલે કે ગુરુની પાસે હાથમાં સમિધા લઈને શિષ્ટ તથા વિનમ્રભાવથી જવું જોઈએ.
આવું કહેવા પાછળનો ભાવ એ છે કે સમિધા અગ્નિને પકડી લે છે. ગુરુની પાસે જ્ઞાનરૂપી જ્યોતિ હોય છે. સાધકે પોતાની અંદર સમિધા જેવી પાત્રતા લઈને જવું જોઈએ. કેવા ગુરુની પાસે જવું જોઈએ? જે શ્રોત્રિય હોય એટલે કે જ્ઞાનની બાબતમાં કૃતિઓનો જ્ઞાતા હોય, તેમનું તત્ત્વજ્ઞાન સમજતો હોય અને જે બ્રહ્મનિષ્ઠ હોય અથાત્ આચરણથી બ્રહ્મનિષ્ઠ હોય, બ્રહ્મના અનુશાસનને સમજતો હોય અને તેનું પાલન કરવાની નિષ્ઠા ધરાવતો હોય એવા ગુરુની પાસે જવું જોઈએ. જ્યાં આવો સંયોગ બનશે ત્યાં પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ અવશ્ય થશે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021