ઋષિમુનિઓની સભા ભરાઈ હતી. તત્કાલીન સમસ્યાઓ પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચાવિચારણા દરમ્યાન એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આજે મનુષ્યની સામે સૌથી મોટું સંકટ કયું છે? ત્યાં હાજર રહેલા એક મહર્ષિએ આ પ્રશ્નનું સમાધાન કર્યું
તેમણે કહ્યું કે આજના યુગનું સૌથી મોટું સંકટ પ્રત્યક્ષવાદ અને તરત જ પરિણામ મેળવવાની આકાંક્ષા જ છે. કાર્ય કરતાં પહેલાં જ માણસ મને તેનાથી શો લાભ થશે એવો વિચાર કરે છે અને તે લાભ મેળવવા માટે ગમે તે હદે જવા તૈયાર થઈ જાય છે. આદર્શ અને જીવનમૂલ્યોના બદલે આજે ચાલબાજી અને કુચક્રો અપનાવવામાં આવે છે. મોટાભાગના લોકો અનીતિ અપનાવીને પોતાનું લક્ષ્ય સાધવાનો પ્રયત્ન કરે છે. એટલું જ નહિ, આજે ભૌતિક સાધનસંપત્તિ તથા ભોગવિલાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. લોકો જે પ્રત્યક્ષરૂપે જુએ એને જ સાચું માને છે. આત્મા તથા પરમાત્માના અસ્તિત્વ વિશે અવિશ્વાસ રાખે છે. સત્ય, ધર્મતથા ન્યાયના માર્ગે ચાલવા માટે કોઈ તૈયાર નથી. મહર્ષિની આ વાતથી બધાની જિજ્ઞાસાનું સમાધાન થઈ ગયું. ત્યાં હાજર રહેલા બધા ઋષિઓએ સંકલ્પ કર્યો કે અમે ઉગ્ર તપશ્ચર્યા કરીને તેની ઊર્જાથી લોકોમાં સાત્ત્વિકતાનો ભાવ જગાડીશું અને લોકોના દેવદુર્લભ જીવનને નષ્ટ થતું બચાવીશું.
Reference: યુગશક્તિગાયત્રી, સપ્ટેમ્બર: 2021