પતિવ્રતા સાધિકા કૌશિકીનાં લગ્ન એક રોગી પતિ સાથે થયાં હતાં, એમ છતાં તેને સહેજ પણ દુખ થતું નહોતું. ઊલટું તે તો માનતી હતી કે ભગવાને મને મારી સેવાભાવનાનો વિકાસ કરવાનો અવસર આપ્યો છે. એકવાર અંધારી રાતે તે પોતાના પતિને પીઠ પર લાદીને લઈ જતી હતી. અંધકારના કારણે તેના પતિનો પગ તપસ્યા કરી રહેલા માંડવ્યઋષિને અડકી ગયો. તેની આ સામાન્ય ભૂલને જાણીજોઈને કરેલી ઉડતા માનીને ઋષિએ શાપ આપી દીધો કે જે માણસે આવી ધૃષ્ટતા કરી છે તે સૂર્યોદય થતાં જ મૃત્યુ પામશે. કૌશિકીએ તેમને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી કોઈ લાભ ના થયો.
છેવટે તેણે કહ્યું કે હું અપરાધી નથી, તેથી વૈધવ્યનો દંડ નહિ સ્વીકારું. જો સૂર્યોદય થતાં જ મારા પતિનું મૃત્યુ થવાનું હોય તો સૂર્યોદય જ નહિ થાય. સૂર્યદેવ તે પતિવ્રતા સ્ત્રીની શક્તિની અવહેલના કરી શકે એમ નહોતા. સૂર્યોદય ના થયો, તેથી જગતમાં હાહાકાર મચી ગયો. માંડવ્યઋષિને પોતાની ભૂલનું ભાન થયું, પરંતુ પોતાનો શ્રાપ પાછો લેવાની તેમનામાં શક્તિ નહોતી. એ પરિસ્થિતિમાં સતી અનસૂયા ત્યાં પ્રગટ થયાં. તેમણે કહ્યું કે બેન કૌશિકી, હવે સૂર્યોદય થવા દો. હું તમારા પતિને ફરીથી જીવતા કરી દઈશ. એ પ્રમાણે જ થયું. બંને પતિવ્રતા દેવીઓની શક્તિનું પ્રમાણ મેળવીને સંસાર “ધન્ય ધન્ય” એવું બોલી ઉઠ્યો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુન 2014