નિમાઈ અને રઘુનાથ સાથે ભણતા હતા. તેઓ બંને ગાઢ મિત્રો હતા. રઘુનાથે એક ગ્રંથ લખ્યો અને તેની સમીક્ષાના ઉદ્દેશ્યથી તે નિમાઈને આપ્યો. થોડા દિવસો પછી રઘુનાથે નિમાઈને તેના વિશે પૂછ્યું તો નિમાઈએ કહ્યું કે તે અતિઉત્તમ અને ભૂલરહિત છે. પછી નિમાઈએ ન્યાયશાસ્ત્ર પર પોતે લખેલું એક ભાષ્ય રઘુનાથને આપ્યું. રઘુનાથે તેની થોડીક લીટીઓ વાંચી એટલામાં તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. નિમાઈએ તેનું કારણ પૂછતાં રઘુનાથે કહ્યું કે મિત્ર! તારા ગ્રંથની સામે મારો ગ્રંથ તો સાવ તુચ્છ છે. કોઈને પણ તે વાંચવો નહિ ગમે. “બસ આટલી નાની સરખી વાત છે” એવું કહીને નિમાઈએ પોતાના ગ્રંથની નીચે રઘુનાથનું નામ લખી દીધું. રઘુનાથે એવું કરવાની ખૂબ ના પાડી ત્યારે નિમાઈએ કહ્યું કે મારા તરફથી ભેટ રૂપે આનો સ્વીકાર કરી લો.
રઘુનાથ મિત્રની મહાનતા તથા પ્રેમના કારણે ગદ્ગદ થઈ ગયો. આગળ જતાં નિમાઈ ચૈતન્ય મહાપ્રભુના નામે પ્રખ્યાત થયા અને રઘુનાથની અનેક રચનાઓને માર્ગદર્શન આપવામાં ખૂબ ઉપયોગી સાબિત થયા.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021