ફારસના પ્રખ્યાત સંત ઇબાદીન હંમેશાં ખુદાની ઇબાદત કરતા હતા અને દીનદુખીઓની સેવા કરતા હતા. અનેક લોકો તેમની પાસે આવતા અને સંત તેમની મુશ્કેલીઓ દૂર કરતા. તેમની ખ્યાતિ ફારસના બાદશાહ સુધી પહોંચી. તેને સંતને મળવાની ઇચ્છા થઈ.
એક દિવસ તેઓ કપડાં, ખાવાપીવાનો સામાન વગેરે અનેક ભેટો લઈને સંતની ઝુંપડીએ ગયા. તેમણે સંતનાં ચરણોમાં એક કીમતી શાલ મૂકતાં તેમની જૂની શાલ ઉતારી નાખવાનું કહ્યું. સંતે તેમને પૂછ્યું કે તમારે ત્યાં તો અનેક નોકરચાકર હશે. શાહે હા પાડી.
સંતે કહ્યું કે જો કોઈ નવો માણસ તમારી પાસે નોકરી માગવા આવે તો તમે જૂના વફાદાર સેવકોને નોકરીમાંથી કાઢી મૂકશો? શાહે ના પાડી. નવા માણસના આવવાથી જૂના વફાદાર માણસોને કાઢી મૂકવામાં સમજદારી નથી.
સંતે કહ્યું કે તો શું તમારાં આ નવાં કીમતી કપડાં મળવાના લીધે મારાં જૂનાં કપડાંને ફેંકી દેવાં યોગ્ય કહેવાય? આ પણ મારા વફાદાર સેવક જેવાં જ છે. તમે તમારાં આ કપડાં ભલે આપી જાઓ, પરંતુ મારાં જૂનાં કપડાં તો ફાટી જશે ત્યારે જ તેમને ફેંકી દઈશ. સંતની સાદગી જોઈને શાહે માથું ઝુકાવ્યું અને તે પોતાના મહેલે પાછા જતા ૨હ્યા.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021