એક દિવસ રાજા ભોજ ગાઢ નિદ્રામાં સૂતા હતા.સ્વપ્નમાં તેમને એક અત્યંત તેજસ્વી વૃદ્ધપુરુષનાં દર્શન થયાં. ભોજે તેમને પૂછ્યું કે હે મહાત્મા! આપ કોણ છો? તે વૃદ્ધ કહ્યું કે રાજન્ ! હું સત્ય છું. તને તારાં કાર્યોનું સાચું સ્વરૂપ બતાવવા આવ્યો છું. તું મારી પાછળ પાછળ આવ અને તારાં કાર્યોની વાસ્તવિકતાને જો.
રાજા તે વૃદ્ધપુરુષની પાછળ પાછળ ગયા.
રાજા ભોજ યજ્ઞ, વ્રત, કથાકીર્તન, દાનપુણ્ય વગેરે ખૂબ કરતા હતા. તેમણે અનેક કૂવા, તળાવો, મંદિરો, બગીચા વગેરે પણ બનાવડાવ્યાં હતાં. રાજાના મનમાં પોતે કરેલાં આ બધાં પુણ્યકાર્યોના કારણે અભિમાન આવી ગયું હતું. સત્યરૂપી વૃદ્ધ પુરુષ રાજા ભોજને તેમણે બનાવેલાં સ્થાનો પર લઈ ગયા. સૌથી પહેલાં તે રાજાને ફૂલો તથા ફળોથી લચી પડેલા બગીચામાં લઈ ગયા. ત્યાં સત્ય જેવો એ વૃક્ષોને સ્પર્શ કર્યો એની સાથે તે બધાં સુકાઈને તૂઠા જેવાં થઈ ગયાં. એ જોઈને રાજા ખૂબ નવાઈ પામ્યા. – ત્યાર પછી તે વૃદ્ધપુરુષ રાજા ભોજને મંદિરે લઈ ગયા. સત્યે મંદિરને સ્પર્શ કર્યો એની સાથે જ તે ખંડિયેર બની ગયું. તે વૃદ્ધપુરુષ રાજાએ યજ્ઞ, તીર્થ, કથા, પૂજન, દાન વગેરેના નિમિત્તે બનાવેલાં સ્થાનોને સ્પર્શ કર્યો તો તે બધાં રાખ થઈ ગયાં. આ બધું જોઈને રાજા ભોજ અર્ધપાગલ જેવા થઈ ગયા. સત્યે કહ્યું કે રાજ! યશ મેળવવાની ઈચ્છાથી જે કાર્ય કરવામાં આવે છે તેનાથી માત્ર અહંકાર વધે છે. તેનાથી ધમનું પાલન થતું નથી. સાચી સભાવનાથી નિઃસ્વાર્થભાવે પોતાનું કર્તવ્ય સમજીને જે કાર્યો કરવામાં આવે છે તેમનું જ પુણ્ય મળે છે. આટલું કહીને સત્યરૂપી તે વૃદ્ધપુરુષ અલોપ થઈ ગયા. રાજાની ઊંઘ ઊડી ગઈ. તેમણે પોતાને આવેલા સ્વપ્ર પર ઊંડો વિચાર કર્યો અને તે દિવસથી સાચી ભાવનાથી નિષ્કામ ભાવે કર્મ કરવાનું શરૂ કરી દીધું.
Reference : યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2021