મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પુત્રોના મૃત્યુથી દુખી થયેલા ધૃતરાષ્ટ્ર મહાત્મા વિદુરને બોલાવ્યા. એમની સાથે સત્સંગ કરીને પોતાના દુખને ભૂલવાનો પ્રયાસ કરવા લાગ્યા. ચર્ચા દરમ્યાન ધૃતરાષ્ટ્ર પૂછ્યું કે વિદુરજી ! આપણા પક્ષનો એકે એક યોદ્ધો એટલો સક્ષમ હતો કે તે જ્યારે સેનાપતિ બન્યો ત્યારે પોતાના પરાક્રમથી પાંડવોના છક્કા છોડાવી દીધા. બધા જાણતા હતા કે આ જીવનમરણનું યુદ્ધ છે. આ વાતને યાદ રાખીને જો તેઓ સેનાપતિ બન્યા પછી જ પોતાનું પરાક્રમ બતાવવાના બદલે પહેલેથી જ પોતાનું કર્તવ્ય સમજીને સાથે મળીને પોતાનું પરાક્રમ બતાવત તો શું યુદ્ધમાં આપણને જીત ન મળત?
મહાત્મા વિદુરે કહ્યું કે રાજન્ ! આપની વાત બિલકુલ સાચી છે. જો તેઓ એવું કરત તો અવશ્ય જીત જાત, પરંતુ પોતે એકલા જ વધારે યશ મેળવવાની લાલસા તથા પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવાના અહંકારે તેમનામાં કર્તવ્ય નિભાવવાનો ઉમંગ પેદા ન થવા દીધો. જો તેમણે પોતાના કર્તવ્યનો વિચાર કર્યો હોત તો તેઓ પાંડવોને તેમના હકનું રાજ્ય આપીને યુદ્ધ ટાળી શક્યા હોત. જે જેવું કરે છે એવું જ ફળ તેને મળે છે. તેથી હે રાજન! આપ કૌરવોની હાર તથા તેમના મૃત્યુ માટે શોક ના કરશો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021