એક ખેડૂતે પોતાના ગાડામાં બળદોની જગ્યાએ પાડાઓને જોડ્યા. તેના સાથીઓએ તેને ખૂબ સમજાવ્યો, છતાં તે ન માન્યો અને તેણે કહ્યું કે તમે લોકો સાવ જૂનવાણી વિચારના છો. કયા પુસ્તકમાં લખ્યું છે કે પાડાઓને ગાડે તથા હળે ન જોડાય?પાડાઓમાં ખૂબ તાકાત હોય છે. એટલે હું તો એમની પાસે જ કામ લઈશ.
તે પાડાઓને લઈને પોતાના ખેતર તરફ ગયો. રસ્તામાં એક જગ્યાએ પાણી તથા કાદવ આવ્યાં. આથી પાડી તેમાં ઘૂસી ગયા. ખેડૂતે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પાડાઓ પર તેની કોઈ અસર ન થઈ. જ્યારે સૂરજ આથમી ગયો ત્યારે તેઓ પોતે જ બહાર આવી ગયા.
ખેતરમાંથી પાછા ફરતા તેના મિત્રોએ કહ્યું કે પરંપરાઓનું આંધળું અનુકરણ કરવું યોગ્ય નથી એ તમારી વાત સાચી છે, પરંતુ તમારી સામે જે હકીકત હોય તેના માટે આંખ આડા કાન કરવા એ પણ મૂર્ખતા છે. હવે પેલા ખેડૂતને મિત્રોની સલાહ સાચી લાગી.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021