એક સુફી સંત હતા. તેમના વિશે એવી માન્યતા હતી કે તે કોઈ માણસ મળે તો તેના મનોભાવને જાણી લેતા હતા. એકવાર એક ફકીર મળવા આવ્યો. તે મળ્યો એની સાથે જ તેમણે કહ્યું કે સૂપડું આવી ગયું. થોડીવાર પછી તે રાજ્યનો સૌથી ધનવાન માણસ તેમને મળવા આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ તો ચાળણી છે. બાજુમાં ઊભેલો તેમનો શિષ્ય આવું સાંભળીને વિચારમાં પડી ગયો. તેને નવાઈ એ વાતની લાગી કે આજે ગુરુએ પેલા બે માણસો માટે આવી અભદ્ર ટીકા કેમ કરી? આથી તેણે તેના ગુરુને એ વિશે પૂછયું ત્યારે તેમણે કહ્યું કે બેટા ! આ સંસારમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારના લોકો સૂપડાની જેમ કામની વસ્તુઓને પોતાની પાસે રાખીને થોથાંને ઉડાડી નાખે છે, જ્યારે ચાળણી જેવા માણસો કામની વસ્તુને છોડીને નકામી વસ્તુને પોતાની પાસે રાખે છે. શિષ્યને સમજાઈ ગયું કે કામિની તથા કંચનનો ત્યાગ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરનારને ફકીરે સૂપડા જેવો કહ્યો હતો, જ્યારે પરમાત્માથી વિમુખ થઈને સાંસારિક પદાર્થો ભેગા કરનાર ધનવાન માણસને તેમણે ચાળણી જેવો કહ્યો હતો.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021