એક રાજ્યના દીવાન અત્યંત કર્તવ્યપરાયણ, ઉદાર તથા સેવાભાવી હતા. એકવાર એક યુવક તેમની મળવા માટે આવ્યો અને તેણે પ્રણામ કરીને તેમનાં ચરણોમાં દસ હજાર રૂપિયાનો ચેક મૂકી દીધો. હૈં દીવાનસાહેબે પૂછ્યું કે આ શું છે? ત્યારે તે યુવકે કહ્યું કે હું તમને યાદ અપાવું છું. પહેલાં મારી આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. તે વખતે આપે મને મદદ કરી હતી. એના લીધે જ હું બી.એ.એલ.એલ.બી થઈ શક્યો અને અત્યારે આ શહેરમાં ન્યાયાધીશ બનીને આવ્યો છું આપના તરફથી મને દસહજાર રૂપિયાની સહાય મળી હતી. હવે હું તે રકમ આપને પાછી આપીને ઋણમાંથી મુક્ત થવા માટે આવ્યો છું. દીવાનસાહેબે કહ્યું કે શું આ રીતે ઋણમુક્ત થઈ શકાય ખરું? તમે આ ચેક પાછો લઈ જાઓ અને એ રકમમાં તમારા તરફથી યથાશક્તિ પૈસા ઉમેરીને બીજા ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરો અને તેમને પણ ન્યાયાધીશ બનાવો, તો જ તમે ઋણમુક્ત થઈ શકશો. ન્યાયાધીશ દીવાનસાહેબનો આદેશ માનીને શ્રદ્ધાપૂર્વક તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય થયા. ખરેખર ઋણમાંથી મુક્ત થવાનો સાચો અને એક માર્ગ તે પરંપરાને આગળ વધારતા રહેવાનો છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2021