આ ઘટના અત્યંત પ્રાચીનકાળની છે. મધ્યપ્રદેશમાં ગુણરાજાઓનું સામ્રાજ્ય હતું. એક ગુમરાજાનો પુત્ર પુષ્યમિત્ર દેખાવે ખૂબ આકર્ષક હતો. તેને પોતાની સુંદરતાનું ખૂબ અભિમાન હતું. એકવાર તે એક મંત્રીના પુત્ર સુયશની સાથે નગરમાં ભ્રમણ કરવા માટે નીકળ્યો. એક જગ્યાએ એક શબના અગ્નિસંસ્કાર થઈ રહ્યા હતા. રાજકુમાર પુષ્યમિત્રે પૂછયું કે અહીંશું થઈ રહ્યું છે? સુયશે કહ્યું કે કોઈ મરેલા માણસના અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે.
રાજકુમારે કહ્યું કે તે માણસ અવશ્ય કદરૂપો હશે. સુયશે કહ્યું કે ના, એવું નથી. મર્યા પછી તો દરેક માણસનું શરીર સડવા માંડે છે, તેથી તેને બાળી જ નાખવું પડે છે. રાજકુમાર પુષ્યમિત્રને એવું ભાન જ નહતું કે દરેક વ્યક્તિએ વહેલામોડા મરવું જ પડે છે. જ્યારે તેને આ સત્યની ખબર પડી ત્યારે તેને સમજાયું કે મારું આ સુંદર શરીર પણ એક દિવસ નષ્ટ થઈ જશે. તેનું મન ખિન્ન થઈ ગયું. તેણે રાજગુરુ આગળ પોતાની એ વ્યથા વ્યક્ત કરી.
રાજગુરુપુષ્યમિત્રને પોતાના ગુરુ પાસે લઈ ગયા. તેઓ રાજકુમારની માનસિક સ્થિતિને સમજી ગયા. તેમણે કહ્યું કે તમે આ શરીરના અંતિમ પરિણામથી અત્યંત દુખી તથા ચિંતિત થઈ ગયા છો. રાજકુમારે હા પાડી. ગુરુએ કહ્યું કે તમે જે રાજમહેલમાં રહેતા હો તે થોડાં વર્ષો પછી જૂનો થઈ જાય અને તૂટવા માંડે અને તમારે બીજા નવા રાજમહેલમાં રહેવા જવું પડે તો એનાથી તમારી જીવનયાત્રા પર શોપ્રભાવ પડે? રાજકુમારે કહ્યું કે તેની ખાસ કોઈ અસર ન થાય. જે જૂનું થઈ જાય એનો ત્યાગ કરી દેવો તે ઉત્તમ છે. ગુરુએ કહ્યું કે આપણા શરીર ઉપર પણ આ જ નિયમ લાગુ પડે છે. આ શરીરમાં રહેતો આત્મા શરીર જીર્ણ થઈ જાય ત્યારે તેનો ત્યાગ કરી દે છે. પછી તે શરીરનો નાશ કરી નાખવામાં આવે છે. આત્મા માટે આ શરીર તો માત્ર એક સાધન છે, તેથી તેની બહુ ચિંતા ન કરવી જોઈએ. આપણે આ શરીર દ્વારા કરેલાં શુભ કે અશુભ કર્મોનું પરિણામ જ મહત્ત્વનું છે. ગુરુનાં આવાં વચનો સાંભળીને પુષ્યમિત્રની આંખો ખૂલી ગઈ. આથી તે શાશ્વત અને અમર આત્મજ્ઞાન મેળવવામાં નિરત થઈ ગયો.
Reference : યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2021