એક સંતને એક સોનામહોર જડી. તેમણે નક્કી કર્યું કે જે સૌથી ગરીબ હોય તેને હું આ સોનામહોર આપીશ, પરંતુ તેમને એવો કોઈ અત્યંત ગરીબ કે ભિખારી માણસને મળ્યો. એક દિવસ તેમને ખબર પડી કે આપણા દેશનો રાજા પડોશી દેશનું રાજ્ય છીનવી લેવા માટે આક્રમણ કરવાનો છે. સંતે તે સોનામહોર રાજાને આપી. રાજાએ તેનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે મેંઆ સોનામહોર સૌથી ગરીબ માણસને આપવાનું નક્કી કર્યું હતું એટલે મેં તમને આપી છે. રાજાએ તેમને કહ્યું કે મારી પાસે તો આટલું બધું ધન, રાજ્ય, સૈન્ય એમ બધું જ છે, તો પછી હું સૌથી ગરીબ કઈ રીતે કહેવાઉં? સંતે કહ્યું કે આપની પાસે આટલું બધું હોવા છતાં આપ પડોશી રાજ્યને હડપી લેવા જઈ રહ્યા છો, તો પછી તમારા કરતાં વધારે ગરીબ બીજું કોણ હોઈ શકે? રાજાને પોતાની ભૂલનું ભાન થયું, આથી તેણે પોતાના સૈન્યને પાછા ફરવાનો આદેશ આપ્યો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021