સંત વિમલમિત્ર પોતાના શિષ્યો સાથે દેશાટન માટે નીકળ્યા હતા. તેમણે સંકલ્પ કર્યો હતો કે હું કોઈની પાસે ભિક્ષા માગીને ભોજન નહિ કરું. વગર માગ્યે સહજરૂપે જે કાંઈ મળે તેનો જ સ્વીકાર કરીશ. એકવાર એક મહિના સુધી તેમને ભિક્ષા ન મળવાના કારણે ભૂખ્યા રહેવું પડ્યું, એમ છતાં તેમનું સ્વાથ્ય કથળ્યું નહિ કે તેમનું તેજ પણ ઘટ્યું નહિ.
એક દિવસ તેઓ પ્રવજ્યા કરી રહ્યા હતા ત્યારે તેમને એકદંપતી દેખાયું. વિમલમિત્ર એકાએક ઊભા રહી ગયા અને તેમની પાસે ભોજનની યાચના કરી. પેલા દંપતીએ તે ફુકરાવી દીધી, એમ છતાં વિમલમિત્ર ખૂબ પ્રસન્નતાપૂર્વક આગળ ચાલવા લાગ્યા. તેમના શિષ્યોને આ બાબત વિચિત્ર લાગી, તેથી તેમણે ગુરુને એ વિચિત્ર વ્યવહારનું કારણ પૂછ્યું.
વિમલમિત્રે હસતાં હસતાં કહ્યું કે આજે ઘણા લાંબા સમય પછી મને એવું લાગ્યું કે ભિક્ષા ન માગવાના સંકલ્પના કારણે મારામાં અહંકાર આવી ગયો છે. તે અહંકારનો હું નાશ કરવા માટે મેં મારો સંકલ્પ તોડીને યાચના કરી અને પેલા દંપતીએ મારી યાચનાને ઠુકરાવી દીધી. એના લીધે મારા અહંકારને જે ચોટ પહોંચી એનાથી મને આત્મિક હું શાંતિનો અનુભવ થયો. એ પ્રસન્નતાના કારણે જ હસતાં હસતાં આગળ વધ્યો.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021