આપણી સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે સ્વામી વિવેકાનંદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેઓ એક સડક પર પગપાળા જઈ રહ્યા હતા. સંન્યાસધર્મના પ્રતીકરૂપ ભગવા રંગનાં વસ્ત્રો તેમણે ધારણ કર્યા હતાં. તેઓ શાંતિથી જઈ રહ્યા હતા. સંન્યાસની મહાન પરંપરા તથા ભારતીય સંસ્કૃતિથી અજાણ એવા અમેરિકાના લોકોને સ્વામીજીની એવી વેશભૂષા વિચિત્ર લાગી. આથી સ્વામીજીની પાછળ આવતા કેટલાક લોકો તેમની મજાક મશ્કરી કરવા લાગ્યા. થોડીવાર સુધી તો સ્વામીજીએ તે અજ્ઞાનીઓની ઉપેક્ષા કરી અને આગળ વધતા રહ્યા, પરંતુ જ્યારે તે લોકો સતત મશ્કરી કરતા રહ્યા ત્યારે સ્વામીજી ઊભા રહ્યા અને પાછળ ફરીને એ લોકોને કહ્યું કે સજ્જનો!તમારા દેશમાં સભ્યતાની કસોટી પોષાક છે, પરંતુ હું જે દેશમાંથી આવ્યો છું ત્યાં મનુષ્યની ઓળખ કપડાંથી નહિ, પરંતુ તેના ચરિત્રથી થાય છે. પેલા લોકોએ આવા જવાબની કલ્પના પણ નહોતી કરી. સ્વામી વિવેકાનંદનાં તેજસ્વી વચનો સાંભળીને એ લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્વામીજી નિજાનંદમાં મસ્ત બનીને સહજ ભાવથી આગળ ચાલવા લાગ્યા. સ્વામીજીની વાત બિલકુલ સાચી છે કે માણસની પરખ તેના બાહ્યરૂપ કે વેશભૂષાથી નહિ, પરંતુ તેની આંતરિક શ્રેષ્ઠતાથી થાય છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી , ઓગસ્ટ : 2021