નરેન્દ્ર (પછીથી સ્વામી વિવેકાનંદ) પંડિત શિવરામ પાસે સંસ્કૃત ભણતા હતા. ગરીબીના કારણે તેમનો આખો પરિવાર થોડાક દિવસોથી ભૂખથી વ્યાકુળ હતો પરંતુ તેનાથી અપ્રભાવિત રહેતાં પંડિત શિવરામ પોતાનું અધ્યયન કાર્ય એ જ ઉત્સાહ અને મનોયોગથી કરતા હતા.
એક દિવસ ટપાલી તેમના માટે એક તાર અને મનીઓર્ડર લઈને આવ્યો અને તેમને દસ રૂપિયા આપીને જતો રહ્યો. પંડિતજીએ તાર વાંચ્યો તો તેમની આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. નરેન્દ્રએ તેમને પૂછ્યું – ગુરુજી ! એવું શું થયું કે આપ આટલા ભાવુક થઈ રહ્યા છો ? પંડિત શિવરામ બોલ્યા – નરેન્દ્ર ! આ પ્રભુકૃપા પ્રત્યે કૃતજ્ઞતાનાં આંસુ છે. આમ કહીને તેમણે તે તાર નરેન્દ્રને વાંચવા માટે આપ્યો. તે તાર કાશીથી આવ્યો હતો અને એક શિવભક્તે લખ્યો હતો.
એ ભક્તએ લખ્યું હતું કે કાલે મને સ્વપ્રમાં ભગવાન શિવ દેખાયા અને મને કહ્યું કે મારો એક ભક્ત શિવરામ, વરાહનગરમાં ત્રણ દિવસથી ભૂખ્યો છે. તું તેને મદદ કર. હું શિવાજ્ઞાથી આ રૂપિયા આપને મોકલી રહ્યો છું. આપ એનો સ્વીકાર કરો.
આ ઘટના સાંભળીને નરેન્દ્રએ પંડિત શિવરામને કહ્યું – આપ ધન્ય છો, જે ત્રણ દિવસથી ભૂખ્યા રહીને પણ મને ભણાવતા રહ્યા. આપે મને કહ્યું કેમ નહિ ? પંડિત શિવરામે કહ્યું – જ્યારે મારા પિતા પરમાત્મા મારી ચિંતા કરી રહ્યા હોય, તો હું તેમના પુત્રો પાસે શું કામ યાચના કરું ? નરેન્દ્ર તેમની શ્રદ્ધાથી અભિભૂત થયા વિના ન રહી શક્યા.
યુગ શક્તિ ગાયત્રી, ઑક્ટોબર ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6