ગુજરાતમાં એક પ્રસિદ્ધ વકીલ રહેતા હતા. એકવાર તેઓ એક કેસ લડી રહ્યા હતા એ જ વખતે ગામડે તેમની પત્ની બીમાર પડી ગઈ. તેઓ એની સેવા કરવા પોતાને ગામ ગયા. એ જ વખતે તેમના મુકદ્દમાની તારીખ પડી. એક બાજુ પત્નીની બીમારી અને બીજી બાજુ કેસ લડવાનો હતો.
તેમનેવિમાસણમાં પડેલા જોઈને પત્નીએ કહ્યું કે તમે મારી ચિંતા ન કરશો. તમે શહેરમાં જાઓ. જો તમે ત્યાં નહિ જાઓ તો કોઈ નિર્દોષને સજા થઈ જશે. વકીલસાહેબ દુખી મનથી શહેરમાં ગયા. જ્યારે તેઓ પોતાના અસીલનો કેસ લડી રહ્યા હતા ત્યારે જ એક માણસે તેમને ટેલિગ્રામ આપ્યો.
તેમણે તે તાર વાંચીને ખિસ્સામાં મૂકી દીધો અને દલીલો ચાલુ રાખી. સાબિતીના આધારે તેમણે પોતાના અસીલને નિર્દોષ સાબિત કરી દીધો. ખરેખર તે નિર્દોષ જ હતો. બધા લોકો વકીલસાહેબને શાબાશી આપવા ગયા અને પૂછ્યું કે તારમાં શું લખ્યું છે ? વકીલસાહેબે તે ટેલિગ્રામ બધાને બતાવ્યો તો તેઓ દંગ રહી ગયા. તારમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. લોકોએ કહ્યું કે આપ આપની બીમાર પત્નીને છોડીને કેમ આવ્યા ?
વકીલસાહેબે કહ્યું કે હું તેના આદેશથી જ આવ્યો છું. તે જાણતી હતી કે કોઈ નિર્દોષને બચાવવો તે સૌથી મોટું કર્તવ્ય તથા સૌથી મોટો ધર્મ છે. તે વકીલ બીજા કોઈ નહિ, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓ તેમના કર્તવ્યપાલન તથા મજબૂત મનોબળના કારણે લોખંડી પુરુષ કહેવાતા હતા.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6