ચાર પનિહારીઓ એક કૂવા પર પાણી ભરવા માટે ગઈ. વારાફરતી ધડાને દોરીથી બાંધીને કૂવામાં ઉતારીને પાણી ખેંચતી. પાણી ખેંચવામાં એક વ્યસ્ત રહેતી તો બાકીની ત્રણ નવરી રહેતી. આ ગાળામાં તેમની વચ્ચે કોઈ ચર્ચા થઈ.
બધી સ્ત્રીઓ પોતપોતાના પુત્રના ગુણની પ્રશંસા કરવા લાગી. એકે કહ્યું કે મારા પુત્રનો કંઠ એટલો બધો મધુર છે કે કોઈ રાજદરબારમાં તેને માન મળશે. બીજી સ્ત્રીએ કહ્યું કે મારા પુત્રનું શરીર સૌષ્ઠવ એટલું સુંદર છે કે મોટો થતાં કુસ્તીબાજીમાં પહેલવાનોને હરાવશે. ત્રીજી સ્ત્રીએ કહ્યું કે મારો પુત્ર એટલો બધો બુદ્ધિશાળી છે કે હંમેશાં પ્રથમ વર્ગમાં જ પાસ થાય છે.
ચોથી સ્ત્રીનું માથું નીચે નમેલું હતું. તેણે કહ્યું કે મારો પુત્ર ગામના બીજા છોકરાઓ જેવો સાધારણ જ છે. એટલામાં ચારે છોકરા શાળા છૂટતાં ધર તરફ જવા નીક્ળ્યા.
રસ્તો કૂવા પાસેથી પસાર થતો હતો. એક છોકરો ગીત ગાતો આવી રહ્યો હતો. તો બીજો કૂદતો હતો, ત્રીજાના હાથમાં ખુલ્લું પુસ્તક હતું. ત્રણે છોકરાના ગુણોની સાબિતી નજરોનજર મળી ગઈ. ચોથી પનિહારીનો છોકરો આવ્યો અને ચારે સ્ત્રીઓને ચરણસ્પર્શ કરીને પ્રણામ કર્યા અને પોતાની માતાનો પાણી ભરેલો ઘડો માથા પર લઈને ઘર તરફ ચાલી નીકળ્યો. તે કૂવાની બાજુમાં એક વયોવૃદ્ધ બેઠેલા હતા. તેણે ચારે વહુઓને રોકીને કહ્યું કે આ ચોથો છોકરો સર્વશ્રેષ્ઠ છે. એનો શિષ્ટાચાર જુઓ. કોઈ પણ માણસનું ભવિષ્ય તેના શિષ્ટાચારથી ઘડાય છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6