જય અને વિજય ભગવાન વિષ્ણુના દ્વારપાળ હતા. તેમના આ અધિકાર પર તેમને અભિમાન થઈ ગયું. તેમને પૂછ્યા વિના જ કોઈ વૈકુંઠાધિપતિને મળવા જતો રહે એમાં પોતાનો અનાદર પ્રતીત થવા લાગ્યો.
આ દ્વારપાળોએ પોતાના અધિકારનો દુરુપયોગ કરી નારાયણપ્રિયા લક્ષ્મી સ્વયં ગૃહસ્વામિનીને પણ અંદર જવા માટે રોકી દીધાં. લક્ષ્મીજી નમ્ર સ્વભાવવશ મૌન રહી ગયાં, પરંતુ જે દિવસે એમણે સનક-સનંદન, સનાતન અને સનત્કુમાર જેવા મહાત્માઓને રોક્યા ત્યારે તેઓ ચૂપ ન રહ્યા. એમણે બન્નેને અસુર થવાનો શ્રાપ આપ્યો.
ત્રણ કલ્પોમાં એમને હિરણ્યાશ-હિરણ્યકશિપુ, રાવણ-કુંભકર્ણ તથા શિશુપાલ-દુર્યોધનના રૂપમાં જન્મ લેવો પડયો. સંતોને તો એમને નિરહંકારિતાનો પાઠ ભણાવવાનો હતો. વૈકુંઠવાસી હોવાથી પોતાનામાં પૂર્ણતા માનીને પોતાને પતનના ભયથી મુક્ત માની લેવું કોઈને માટે પરાભવનું કારણ બની શકે છે.
નિષ્કર્ષ એ જ છે કે જ્યારે સ્વર્ગમાં બેઠેલો એક ઉચ્ચપદાધિકારી પણ આ દુર્બળતાને કારણે રાવણ વગેરે અસુર યોનિને પ્રાપ્ત થાય છે તો મૃત્યુલોકનો પ્રાણી એ કેવી રીતે માની લે છે કે તે આત્માની ઉપેક્ષા કરી પ્રગતિ કરી શકે છે ?
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6