પ્રાચીનકાળની વાત છે. દુર્દાંત દૈત્યોએ એકસાથે સગા ભાઈઓના રૂપમાં જન્મ લીધો. માયાનગરી જેવાં એમણે જાદુભર્યા ત્રણ નગરો બનાવ્યાં. બધા સંસારવાસી આ માયાથી ભ્રમિત થઈ ગયા, ધર્મનો લોપ થઈ ગયો અને અધર્મની વિજયદુદુંભિ વાગવા લાગી.
ધર્મે પ્રજાપતિને વિનંતિ કરી. એ માટે પ્રજાપતિએ મહાકાલ ભગવાન શંકરને નિયુક્ત કર્યા કેમ કે તેઓ જ પરિવર્તનોના અધિષ્ઠાતા દેવતા છે. ભગવાને આખી વાત સાંભળી અને સમજી લીધી. ત્રણ પુર વસાવનાર એ દૈત્ય જોકે જુદા-જુદા દેખાતા હતા, પરંતુ હકીકતમાં તેઓ પૂર્ણપણે એકબીજામાં ભળી ગયા હતા. એમને વરદાન મળ્યું હતું કે તેઓ જયારે મરશે ત્યારે એકસાથે એક જ શસ્ત્રથી મરશે. મહાકાળે આ સ્થિતિ જોઈ ત્રિશૂળ બનાવ્યું જેમાં એક જ શસ્ત્ર પર ત્રણ મુખ હોવાને કારણે તે ત્રણ દૈત્યોનો એકસાથે સંહાર કરી શકતું હતું. એમણે પૂરા વેગ સાથે ત્રિશૂળનો પ્રહાર કરી ત્રણ દૈત્યોની શક્તિને નષ્ટ કરી દીધી. ધર્મની જીત થઈ. મહાકાળના આ વિજયનું સર્વત્ર સ્વાગત થયું અને આ વિજયના પ્રસંગે એમને ત્રિપુરારિ કહેવામાં આવ્યા.
આ ત્રિપુરીઓ છે – ૧. લોભ ૨. મોહ ૩. અહં. નીતિનો વિચાર કર્યા વિના બિનજરૂરી સંગ્રહ, ઈન્દ્રિયોના અસંયમ અને એશઆરામની વૃદ્ધિરૂપી વ્યામોહ તથા થોડીક વ્યક્તિઓને જ પોતાના માનવાનો મોહ, પોતાની ક્ષુદ્ર સત્તા પર અહંકાર અને ઉદ્દંડ મહત્ત્વાકાંક્ષાઓ જ એ ભવબંધનો છે જેમાં સામાન્ય લોકો મધના લોભમાં લપટાયેલી મધમાખીઓની જેમ ફસાયેલી અને તડપતી જિંદગી વિતાવે છે.
વિવેકશીલ પ્રજ્ઞાવાન પોતાની અંદર આદર્શવાદી દૂરદર્શિતા વિકસિત કરી આ ત્રણ રિપુઓ સાથે સંઘર્ષ કરે છે તથા પ્રચંડ પુરુષાર્થ દ્વારા ધર્મની પુનઃસ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6