એક માણસ અરીસાની સામે બેઠો પોતાની મુખાકૃતિ પર પ્રસન્ન થઈ રહ્યો હતો. કેવું ઉજ્જવળ રૂપ છે મારું, કેવી સુંદર આંખો છે, કેવા સરસ વાંકડિયા વાળ, મનમોહક નાક અને સુઘડ શરીર જોઈ-જોઈને એ ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. રસ્તા પરથી પસાર થતા દરેક પર તે નજર દોડાવતો, પરંતુ પોતાની તુલનામાં બધા ઓછા સુંદર દેખાતા હતા. એને પોતાના સ્વાસ્થ્ય પર અને રૂપ પર ખૂબ જ ગર્વ થયો. બધે અભિમાનથી ફરી આવ્યો પણ બધાના ચહેરા બદસૂરત અને કુરૂપ દેખાયા. તેના જેવી સુંદરતા ધરાવતો એક પણ માણસ તેને ન મળ્યો.
અહંકારમાં ડૂબેલા એ મનુષ્યની એક દિવસે એક સંન્યાસી સાથે મુલાકાત થઈ. સંત તેનું ઘમંડ ઓળખી ગયા. બોલ્યા – “સાચે જ તમે ખૂબ સુંદર છો, પરંતુ શું તમે તમારું સ્વરૂપ મને બતાવી શકશો ?” એ માણસ ખૂબ ચકિત થયો. હાથ બતાવ્યા, પગ બતાવ્યા, મોઢું, નાક, કાન, દાંત, પેટ, ગરદન બધું જ બતાવ્યું પણ ‘હું કોણ છું’ તે બતાવી ન શક્યો.
એણે વિચાર્યું, શક્ય છે હું શરીરની અંદર ઘૂસી ગયેલો હોઉં. ખૂબ વિચાર કર્યો પણ તેને ત્યાં પણ રસ, લોહી, માંસ, મજ્જા, તંતુઓ, હાડકાં, વીર્ય સિવાય કશું મળ્યું નહીં એનું બધું અભિમાન ઓસરી ગયું. એણે સમજી લીધું કે આ શરીર તેનું નથી, એ તો સંયોગ માત્ર હતો. પ્રકૃતિના હાથનું ફક્ત રમકડું હતો, જેને આજ નહિ તો કાલે, કાલ નહિ તો પરમદિવસે તૂટવું જ પડશે. ન તેનું શરીર હતું કે ન તેનું રૂપ. તે ફક્ત અસ્થિપિંજર હતું, માંસનો પિંડ હતો. એ આજે બન્યો અને કાલે બગડી ગયો. જયારથી તેની સમજમાં આ વાત આવી ગઈ ત્યારથી તેનું દેહાભિમાન છૂટી ગયું. હવે તેને બધાં પ્રાણીઓ એકસરખાં દેખાય છે. બધામાં તે પરમાત્મા સમાયેલો જુએ છે. હવે તેનો અહંકાર મટી ગયો છે, કેમ કે એ જાણી ગયો છે કે હું કશું જ નથી, આ બધું બ્રહ્મ જ છે જે અનેક રૂપોમાં પ્રગટ થઈ રહ્યું છે, મારે તેની જ ઉપાસના કરવી જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6