પર્ણક નામનો એક માણસ મહેનત કરીને જે કાંઈ મળે એનાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે કયારેક કયારેક ગરીબ તથા દુખી લોકોને મદદ પણ કરતો હતો.
એક દિવસ સાંજના સમયે ઘેર પાછા ફરતી વખતે તેને રસ્તામાં પડેલું થોડુંક ધન મળ્યું. તેણે કોઈ સુપાત્રને એ ધન આપી દેવાનું નક્કી કર્યું. કુપાત્રને ધન આપીને તે પાપનો ભાગીદાર બનવા ઇચ્છતો નહોતો.
તેણે કોઈ સુયોગ્ય વ્યક્તિની શોધ કરવા માંડી. તેની બુદ્ધિ જેને ગરીબ માનતી તેનો તેની વિવેકબુદ્ધિ અસ્વીકાર કરી દેતી. આ રીતે સુયોગ્ય પાત્રની શોધ કરવામાં કેટલાક દિવસો વીતી ગયા, એમ છતાં પર્ણકે પોતાની શોધ ચાલુ જ રાખી.
એક દિવસ કોઈ કામ માટે નજીકના નગરમાં ગયેલા પર્ણકે જોયું કે કન્વીનગરનો રાજા ઋતુપર્ણ પોતાની વિશાળ સેના લઈને વિંધ્યદેશને જીતી લેવા માટે જઈ રહ્યો છે. ત્યાંના લોકો પાસેથી એને જાણવા મળ્યું કે ઋતુપર્ણ પહેલેથી જ સત્તરસો દેશોનો રાજા છે. તેનો ખજાનો સોનામહોરોથી ભરેલો છે, એમ છતાં તેને સંતોષ નથી.
ઋતુપર્ણની સેના જ્યારે રાજમાર્ગ પરથી પસાર થઈ ત્યારે પર્ણકે તેનો ઠાઠમાઠ જોયો. પર્ણકને હવે લાગ્યું કે રાજા ઋતુપર્ણ જ સૌથી મોટો કંગાળ અને ગરીબ છે.
ઋતુપર્ણની સવારી જ્યારે તેની આગળ થઈને પસાર થઈ એ જ વખતે પર્ણકે તેની ઉપર પેલું ધન ફેક્યું. પર્ણકની આવી હિંમતથી રાજા ઋતુપર્ણને ખૂબ ક્રોધ આવ્યો. સૈનિકોએ એને
પકડીને ઋતુપર્ણની સામે હાજર કર્યો. રાજાએ જ્યારે પર્ણકને આવું કૃત્ય કરવાનું કારણ પૂછ્યું ત્યારે એકદમ નિર્દોષભાવે પર્ણકે કહ્યું કે મને રસ્તામાંથી મળેલું ધન હું કોઈ જરૂરિયાતવાળા માણસને આપવા ઇચ્છતો હતો. આપની પાસે આટલો બધો વૈભવ છે, એમ છતાં આપની તૃષ્ણા શાંત થઈ નથી. હજુ વધારે મેળવવાની લાલસામાં આપ માનવતાને ભૂલીને બીજા નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવા માટે આતુર થઈ ગયા છો, તેથી મારી દૃષ્ટિએ આપ સૌથી મોટા ગરીબ છો, એટલે આ ધન મેં આપની ઉપર ફેંકી દીધું.
ઋતુપર્ણને પોતાની ભૂલનું ભાન થયું. તે તરત જ પાછો વળી ગયો અને પછી લોક કલ્યાણનાં કાર્યો કરવા લાગ્યો.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6