એક સિદ્ધ પુરુષ નદીમાં સ્નાન કરી રહ્યા હતા. પાણીમાં વહીને એક ઉંદરડી આવી. તેમણે તેને બહાર કાઢી, કુટિરમાં લઈ આવ્યા અને તે ત્યાંજ ઉછરીને મોટી થવા લાગી.
ઉંદરડી સિદ્ધ પુરુષની કરામતો જોતી રહેતી તેથી તેના મનમાં પણ કંઈક વરદાન મેળવવાની ઈચ્છા જાગી. એક દિવસ લાગ જોઈને બોલી, ‘હું મોટી થઈ ગઈ છું. કોઈ વર સાથે મારાં લગ્ન કરાવી આપો.’
સંતે તેને બારીમાંથી સૂરજ બતાવ્યો અને કહ્યું ‘આની સાથે કરાવી દઉં ?’ ઉંદરડીએ કહ્યું, ‘આ તો આગનો ગોળો છે. મને તો ઠંડા સ્વભાવનો જોઈએ.’ સંતે વાદળની વાત મૂકી, ‘એ ઠંડાં પણ છે અને સૂરજથી મોટાં પણ. તે આવે છે અને સૂરજને છુપાવી દે છે.’ ઉંદરડીને આ પ્રસ્તાવ પણ પસંદ ન પડ્યો. તે તેનાથી મોટો વર ઈચ્છતી હતી.
સંતે પવનને વાદળથી મોટો ગણાવ્યો, જે જોતજોતામાં વાદળને ઉડાડી મૂકે છે. તેનાથી મોટો પર્વત બતાવ્યો, જે હવાને રોકીને ઊભો રહી જાય છે. જ્યારે ઉંદરડીએ એ બંનેનો પણ અસ્વીકાર કરી દીધો ત્યારે સંતે જોરશોરથી પહાડમાં દર બનાવવાનો પ્રયાસ કરતો ઉંદર બતાવ્યો. ઉંદરડીએ તેને પસંદ કરી લીધો, કહ્યું, ‘ઉંદર પર્વતથી પણ શ્રેષ્ઠ છે, તે ઘર બનાવીને પર્વતને મૂળમાંથી ખોખલો કરીને તેને આમથી તેમ ત્રાંસો ઢાળી દેવામાં સમર્થ છે.’ એક મોટો ઉંદર બોલાવીને સંતે ઉંદરડીનું લગ્ન કરાવી આપ્યું.
ઉપસ્થિત દર્શકોને સંબોધીને સંતે કહ્યું, ‘મનુષ્યને પણ આવી રીતે સારામાં સારી તકો આપવામાં આવે છે, પણ તે પોતાની મનોસ્થિતિને અનુરૂપ જ પસંદગી કરે છે.’
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6