ફારસ દેશના બાદશાહનું નામ ન્યાયપ્રિયતાના પર્યાયના રૂપમાં લોક પ્રચલિત હતું. પ્રજા તેમની આજ્ઞાનું પાલન કરતી હતી. પ્રકૃતિ પણ તે દેશ પર દયાવાન હતી.
તેમના ત્રણ પુત્રો પણ યોગ્ય અને આજ્ઞાંકિત હતા. વૃદ્ધાવસ્થા આવવાથી તેમણે મોટા પુત્રને રાજકારભાર સોંપી દીધો. પરંતુ કંઈ વિચારીને એક ખૂબ જ કીમતી મોતી પોતાની પાસે મૂકી રાખ્યું એ મોતીની કિંમત એટલી બધી હતી કે એના બદલામાં રાજ્યો ખરીદી જઈ શકાય તેમ હતું. તેમણે મનોમન નિર્ણય કરી લીધો હતો કે એ મોતી પોતાના સોથી વધુ પ્રમાણિક અને સારા વિચારોવાળા પુત્રને આપશે.
તેઓ વખતોવખત પોતાના પુત્રોની પરીક્ષા કરતા રહેતા હતા. તેમણે ત્રણે પુત્રોને વારાફરતી બોલાવીને એક પ્રશ્ન પુછ્યો. “છેલ્લા ત્રણ મહિનામાં તમે સોથી સારું કયું કામ કર્યું છે ?”
મોટા પુત્રે કહ્યું, “છેલ્લા મહિનામાં જ્યારે હું બીજા શહેરમાં જઈ રહ્યો હતો ત્યારે એક ઓળખીતા માણસે હીરાની થલી આપીને કહ્યુ કે એને તેના નાના ભાઈને આપી દેજો. સાચું માનો કે મેં તે થેલી તેના નાના ભાઈને સોંપી દીધી. મને લાગે છે કે એનાથી બધા ખુશ થયા હશે. તે દિવસે હું પણ ખુશ થયો હતો. મને લાગે છે કે લાલચમાં ન ફસાવું તે માણસની મોટાઈ છે અને મેં આ કામ ઈમાનદારીથી કર્યું. પુત્રનો ઉત્ત૨ સાંભળીને સુલતાન ઈબ્રાહીમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.
સુલતાનના બીજા પુત્રે કહ્યું,“વાત ગયા સપ્તાહની છે. વહેલી સવારે હું ફરવા માટે નદીકિનારે જઈ રહ્યો હતો. હજુ હું ત્યાં પહોંચ્યો કે એટલામાં એક સ્ત્રીના રડવાનો અવાજ મારા કાન પર પડ્યો. પાસે જઈને જોયું તો ખબર પડી કે તેનો પુત્ર નદીમાં ડૂબી રહ્યો છે અને ત્યાં તેને બચાવનાર કોઈ નથી. હું તુરંત જ નદીમાં કૂદી પડ્યો અને તેને વાળથી પકડીને બહાર લઈ આવ્યો. થોડીવાર સારવાર કરવાથી તે ભાનમાં આવી ગયો. એ સ્ત્રીએ મને ધણા જ આશીર્વાદ આપ્યા. મને પણ મારા આ કામથી ખૂબ આનંદ થયો.” બાદશાહે પોતાના પુત્રની પીઠ થાબડતા કહ્યું,”માણસની જીંદગી બચાવીને તેં ખરેખર ઘણું મોટું કામ કર્યું છે.”
હવે ત્રીજા રાજકુમારનો વારો હતો. બાદશાહે તેને પણ અગાઉ મુજબનો પ્રશ્ન પૂછ્યો. નાની વયના તે રાજકુમારે ખૂબ ધીમેધીમે ઉત્તર આપવાનું શરૂ કર્યું, “માન્યવર પિતાજી ! એક દિવસ હું જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં મેં જોયું એક માણસ પહાડની બાજુમાં ગાઢ નિદ્રા લઈ રહ્યો છે. તે પાસુ બદલે તો પહાડ પરથી ગબડી જવાનો પૂરો ડર હતો. ગબડે તો મોત નજીક જણાતું હતું. મેં ઘીમેથી તેની પાસે જઈને જોયું તો તે મારો જૂનો દુશ્મન જાવેદ જણાયો. છતાંય મેં તેને જગાડીને સાવધાન કરવાનો નિર્ણય કર્યો. તે ગભરાઈને ઊઠી ગયો અને એમ સમજ્યો કે તે તેનો જીવ બચાવવા અહીં દૂર સુધી આવ્યો છે. તે પ્રેમપૂર્વક મને ભેટી પડ્યો અને જૂની દુશ્મનાવટ ભૂલીને અમે મિત્રો બની ગયા. બસ, મેં તો આ એક નાનું સરખું કામ કર્યું છે, જે મને આજે પણ યાદ છે.”
નાના પુત્રની નમ્રતા અને તેના કામથી ખુશ થતાં બાદશાહે કહ્યું, “શાબાશ બેટા ! માણસની મહાનતા તેની ભાવનાઓમાં છે અને ભાવનાઓની
પરાકાષ્ઠા દુશ્મનની મદદ કરવામાં અને તેને મિત્ર બનાવવામાં છે. દુશ્મનનો જીવ બચાવવો વાસ્તવમાં ઘણું મોટું કામ છે. આમ કહેતામાં તેમના ચહેરા પર સંતોષની ચમક ફેલાઈ ગઈ, તેઓ જે મહાનતા અને પ્રમાણિકતાને શોધી રહ્યા હતા તે આ નાના પુત્રમાં દેખાઈ આવી.
તેઓએ પોતાના કીમતી મોતી આ નાના પુત્રને સોંપવાનો નિર્ણય કર્યો. બંને ભાઈઓએ પણ તેની ઘણી પ્રશંસા કરી. સુલતાન ઈબ્રાહીમ પણ ત્યારપછી સંપૂર્ણ રીતે નિશ્ચિંત થઈને પાક પરવરદિગાહની બંદગી કરવામાં જોડાઈ ગયા.
યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૯૬