એક મહાત્મા ભ્રમણ કરતાં કરતાં જઈ રહ્યા હતા. તેમને રસ્તામાંથી એક રૂપિયો મળ્યો. તે તો વૈરાગી અને સંતોષી માણસ હતા. તેમને એ શા ખપનો ?
તેમણે એ રૂપિયો કોઈ ગરીબને આપી દેવાનો વિચાર કર્યો. ગરીબ શોધતાં શોધતાં કેટલાય દિવસો વીતી ગયા, પણ તેમને કોઈ ગરીબ મળ્યો નહીં.
એક દિવસ તેમણે એક રાજાને તેના સૈન્ય સાથે બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવા જતો જોયો. સાધુએ તે રૂપિયો પેલા રાજા ઉપર ફેંકી દીધો. રાજા ખૂબ ગુસ્સે થયો. પરંતુ સાધુએ ધીરજથી કહ્યું, “રાજન્ ! મને એક રૂપિયો મળ્યો હતો ને મેં તે કોઈ ગરીબને આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મને તમારા જેવો બીજાં કોઈ ગરીબ મળ્યો નહીં, કારણ કે આટલા મોટા રાજ્યનો સ્વામી હોવા છતાંય જે બીજા રાજ્ય ઉપર ચઢાઈ કરવા અને તેમાં મોટી ખુવારી કરવા તૈયાર થયો હોય તેનાથી વધારે ગરીબ બીજો કોણ હોઈ શકે ?
રાજાનો ક્રોધ શાંત પડયો અને પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરીને તે પોતાના રાજ્યમાં પાછો ફર્યો. સંતોષી માણસને પોતાની પાસે જેટલાં સાધનસગવડ હોય તે પૂરતાં લાગે છે અને તેને વધારે મેળવવાની લાલચ સતાવતી નથી.
કોઈ માણસમાં સ્વાર્થની અને સંગ્રહની વૃત્તિઓ ફૂલેફાલે ત્યારે તે માણસને જીવનની સાચી દિશા મળે અને બીજાઓને પ્રેરણા મળે તે માટે મહાપુરુષો અવારનવાર શિખામણ આપતા રહે છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6