Sadhana of self-purification – આત્મશુદ્ધીની સાધના
મહર્ષિ અલુણે રાજકુમાર નીરવ માટે આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પહેલીવાર તેણે સાદું ભોજન કર્યું. આશ્રમની જીવનપદ્ધતિ એને ખૂબ કપૂર્ણ લાગી. જીવન સાવ નીરસ લાગ્યું. તેને એવા જીવન પ્રત્યે અરુચિ પેદા થઈ. બીજા એક સ્નાતકને રાજકુમારે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા છો? આશ્રમમાં આવ્યું તમને કેટલા દિવસ થઈ ગયા? પેલા વિદ્યાર્થીએ કહ્યું કે મિત્ર! હું ઉપકૌશલ દેશનો રાજકુમાર છું. આ મારું છેલ્લું વરસ છે. આટલી વાત કરીને તેઓ સૂવા જતા રહ્યા.
બીજા દિવસે સૂર્યોદયની બે ઘડી પહેલાં બધા સ્નાતકો જાગી ગયા અને પ્રાર્થના કરી ત્યારે નીરવની ઊંઘ ઊડી. આશ્રમના બધા વિદ્યાર્થીઓને ભિક્ષાટન માટે જવું પડતું હતું. એ જાણતાં નીરવના મનમાં અહંકારનો ભાવ જાગ્યો. હું રાજકુમાર થઈને ભિક્ષા માગું! તેના મને વિરોધ કર્યો. પરંતુ છેવટે ભિક્ષાપાત્ર લઈને તે એક ગામમાં ગયો. કોઈને ઘેર જઈને માગતાં તેને શરમ આવતી હતી.
ગામના મુખીની પુત્રી વિદ્યા તેના સંકોચને સમજી ગઈ. તેણે એક મુઠ્ઠી અનાજ લીધું અને નીરવ પાસે જઈને તેના ભિક્ષાપાત્રમાં નાખવાના બદલે જમીન પર નાખી દીધું. આથી નિરાશ થયેલા નીરવે વિદ્યાને કહ્યું કે દેવી! જો તમારે અનાજને ફેકી દેવું હતું તો પછી તેને અહીંસુધી શા માટે લાવ્યાં? વિદ્યાએ કહ્યું કે ભાઈ! ફક્ત હું જ નહિ, પરંતુ સમગ્ર સંસાર આવું જ કરે છે. આપણે જે ઉદ્દેશ્યથી દુનિયામાં આવ્યા છીએ તેને પૂરો કરતા નથી, તો એ બાબત પણ જમીન પર અa ફેકી દેવા જેવી થઈ કે નહિ? વિદ્યાની વાત સાંભળીને રાજકુમારની આંખો ખૂલી ગઈ. હવે તે આત્મશુદ્ધિની સાધના ખુશીથી કરવા લાગ્યો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી, 2022