કુરુ પ્રદેશનો રાજકુમાર ભગવાન શ્રીકૃષ્ણનો ભક્ત હતો. તેણે પોતાનું સમગ્ર જીવન વૃંદાવનમાં વિતાવવાનું નક્કી કર્યું હતું. તેણે વૃંદાવન જઈને યમુનાના કિનારે એક ઝૂંપડી બનાવી અને ત્યાં ઉપાસના કરવા લાગ્યો.
એકવાર મગધના રાજા પોતાના પરિવાર સાથે વૃંદાવન ગયા. યમુનામાં સ્નાન કરતી વખતે રાજારાણીએ સાધુ બની ગયેલા તે રાજકુમારને જોયો.
તેમણે તેની પાસે જઈને પૂછ્યું કે તમે કોઈ દેશના રાજકુમાર લાગો છો. જવાબમાં રાજકુમારે કહ્યું કે ભગવાન કૃષ્ણની આ પાવન લીલાભૂમિમાં કોઈ રાજકુમાર હોતો નથી કે કોઈ રાજા હોતા નથી.
મગધરાજ એનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે આપ હંમેશાં સુખી રહેશો.
એ સાધુએ કહ્યું કે શું રાજા કે ધનવાન કદાપિ દુઃખી નથી થતા ? શું તેમના ઘરમાં કદાપિ કોઈનું અકાળે મૃત્યુ નથી થતું ? તમે સુખપૂર્વક રહેવાની લાલચ આપીને મને ભક્તિથી વિમુખ શા માટે કરો છો ? શ્રીકૃષ્ણની ભક્તિમાં મને અપાર સુખ મળે છે. રાજાએ તે યુવાન સાધુ (રાજકુમાર)ને પોતાના ગુરુ માની લીધા અને પોતે પણ રાજપાટ છોડીને વૃંદાવનમાં રહેવા લાગ્યા.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6